Wednesday, May 23, 2012

યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ - 2


યુધિષ્ઠિર : સંતો માર્ગદર્શક દિશા છે. આકાશને જળ કહ્યું છે. ગાય અન્ન ગણાય છે. યાચના વિષ છે અને શ્રાદ્ધનો કાળ બ્રાહ્મણ છે. અથવા હે યક્ષ, તમે શું માનો છો ?
યક્ષ : તપનું લક્ષણ શું ? દમ કોને કહ્યો છે ? ઉત્તમ ક્ષમા કયી છે ? કોને લજ્જા કહી છે ?
યુધિષ્ઠિર : સ્વધર્મનું વર્તન તપનું લક્ષણ કહ્યું છે. મનના દમનને દમ કહ્યો છે. સુખદુઃખાદિ દ્વન્દ્વોને સહન કરવા એને ઉત્તમ ક્ષમા કહી છે. અકાર્યથી અટકવું એને લજ્જા કહી છે.
યક્ષ : કોને જ્ઞાન કહ્યું છે ? શાને શમ કહ્યો છે ? શાને પરમદયા કહી છે ? અને શાને આર્જવ કહ્યું છે?
યુધિષ્ઠિર : તત્વાર્થનો સારી રીતે બોધ એને જ્ઞાન કહ્યું છે. ચિત્તની પ્રશાંતતાને શમ કહ્યો છે. ભૂતમાત્રના સુખની ઇચ્છાને પરમ દયા કહી છે. ચિત્તની સમતાને આર્જવ કહ્યું છે.
યક્ષ : મનુષ્યને કયો શત્રુ દુર્જય છે ? કયો વ્યાધિ અંતકારી છે ? કોને સાધુ કહ્યો છે ? કોને અસાધુ ગણ્યો છે ?
યુધિષ્ઠિર : મનુષ્યને માટે ક્રોધ દુર્જય શત્રુ છે લોભ અંતકારી વ્યાધિ છે. પ્રાણીમાત્રના હિતમાં રહેનારને સાધુ કહ્યો છે. અને નિર્દય પુરુષને અસાધુ ગણ્યો છે.
યક્ષ : કોને મોહ કહ્યો છે ? કોને માન કહ્યું છે ? કોને આળસ કહેવાય ? અને કોને શોક કહ્યો છે ?
યુધિષ્ઠિર : ધર્મ વિશેના અજ્ઞાનને મોહ કહ્યો છે. આત્માભિમાનને માન કહ્યું છે. ધર્મમાં નિષ્ક્રિય રહેવું એને જ આળસ કહે છે. અજ્ઞાનને શોક સમજે છે.
યક્ષ : ઋષિઓએ શાને સ્થૈર્ય કહ્યું છે ? ધૈર્ય કહ્યું છે ? ઉત્તમ સ્નાન કયું કહ્યું છે ? કોને લોકમાં દાન કહે છે ?
યુધિષ્ઠિર : સ્વધર્મમાં સ્થિરતાને ઋષિઓએ સ્થૈર્ય કહ્યું છે ઇન્દ્રિયનિગ્રહને ધૈર્ય કહ્યું છે. મનના મેલના ત્યાગને ઉત્તમ સ્નાન કહ્યું છે અને પ્રાણીમાત્રના રક્ષણને આ લોકમાં દાન કહે છે.
યક્ષ : કયા પુરુષને પંડિત જાણવો ? કોને નાસ્તિક કહે છે ? મૂર્ખ કોણ છે ? કામ શું છે ? અને મત્સર કોને કહ્યો છે ?
યુધિષ્ઠિર : ધર્મવેત્તા પુરુષને પંડિત જાણવો. મૂર્ખને નાસ્તિક કહે છે. સંસારની વાસના કામ છે અને હૃદયના તાપને મત્સર કહ્યો છે.
યક્ષ : કોને અહંકાર કહ્યો છે ? દંભ કોને કહ્યો છે ? કોને પરમ દૈવ કહ્યું છે ? અને કોને પિશુનતા કહે છે ?
યુધિષ્ઠિર : અત્યંત અજ્ઞાનને અહંકાર કહ્યો છે. યશની ધજા ફરકાવવા કરેલા ધર્મને દંભ કહ્યો છે. દાનના ફળને પરમદૈવ કહ્યું છે. અને પારકાને દૂષણ આપવું એને પિશુનતા કહે છે.
યક્ષ : ધર્મ, અર્થ અને કામ પરસ્પર વિરોધી છે તો એ નિત્ય વિરોધીઓનો કેવી રીતે સંગમ થાય ?
યુધિષ્ઠિર : જ્યારે ધર્મ અને ભાર્યા બન્ને પરસ્પર અનુકૂળ રહીને વર્તે છે. ત્યારે ધર્મ, અર્થ અને કામ એ ત્રણેનો એકત્ર સમાગમ થાય છે.
યક્ષ : હે ભરતોત્તમ ! શાથી અક્ષય નરક મળે છે ?
યુધિષ્ઠિર : જે પુરુષ યાચના કરનારા અકિંચન માનવને બોલાવીને પછી 'નથી' એમ કહે છે તે અક્ષય નરકમાં જાય છે. જે પુરુષ વેદો, ધર્મશાસ્ત્રો, બ્રાહ્મણો, દેવો અને પિતૃધર્મો સંબંધમાં મિથ્યા વર્તન રાખે છે તે અક્ષય નરકને પામે છે. જે મનુષ્ય પાસે ધન હોવાં છતાં લોભને લીધે તેનું દાન કરતો નથી, તેમ તેનો ઉપભોગ કરતો નથી અને જો કોઇને નિમંત્રણ આપ્યા પછી તેનો 'નથી' એમ કહે છે તે અક્ષય નરકનો વાસી થાય છે.
યક્ષ : કુળ, ચારિત્ર્ય, સ્વાધ્યાય અને વિદ્યા એમાંથી શા વડે બ્રાહ્મણત્વ મળે છે ?
યુધિષ્ઠિર : હે યક્ષ ! સાંભળ. બ્રાહ્મણત્વમાં કુળ, સ્વાધ્યાય કે વિદ્યા કારણરૂપ નથી, ચારિત્ર્ય જ નિસંશય કારણરૂપ છે. આથી બ્રાહ્મણે ચારિત્ર્યનું જ યત્નપૂર્વક રક્ષણ કરવું જોઇએ. જ્યાં સુધી તે ચારિત્ર્યભ્રષ્ટ થતો નથી ત્યાં સુધી હીન થતો નથી. પણ જ્યાં તે ચારિત્ર્યથી ભ્રષ્ટ થાય ત્યાં મૃતઃપાય બની જાય છે. અધ્યયન કરનારાઓ, અધ્યયન કરાવનારાઓ અને બીજા શાસ્ત્રવિચારકો એ સર્વે વ્યસનોને અધીન અજ્ઞાની છે. માત્ર જે ક્રિયાવાન શાસ્ત્રસંમત આચરણવાળો છે તે જ પંડિત છે. ચારે વેદોનું અધ્યયન કરનારો હોવા છતાં જો કોઇ દુરાચારી હોય તો તે શૂદ્ર કરતાં પણ નીચો છે. જે અગ્નિહોત્રપરાયણ અને જિતેન્દ્રિય છે તે જ બ્રાહ્મણ કહેવાય છે.
યક્ષ : પ્રિય વચન બોલનારાને શું મળે છે ? વિચારીને કાર્ય કરનારને શું મળે છે ? અનેક મિત્રો કરનારાને શું મળે છે ? અને ધર્મમાં રહેનારને શું મળે છે ?
યુધિષ્ઠિર : પ્રિય વચન બોલનારને સર્વની પ્રિયતા મળે છે. વિચારીને કાર્ય કરનારાને અધિકાધિક વિજય મળે છે. અનેક મિત્રો કરનારાને સુખવાસ મળે છે. અને ધર્મમાં રત રહેનારને ઉત્તમ ગતિ મળે છે.
યક્ષ : કોણ આનંદથી રહે છે ? આશ્ચર્ય શું છે ? માર્ગ કયો છે ? વાર્તા કઇ છે ? મારા આ ચાર પ્રશ્નોના ઉત્તર આપ; એટલે તારા ભાઇઓ સજીવન થશે.
યુધિષ્ઠિર : જે મનુષ્ય દેવાથી રહિત છે, જેને પ્રવાસે જવું પડતું નથી, અને જે દિવસના પાંચમા કે છઠ્ઠા ભાગે પોતાના જ ઘરમાં ભાજીપાલો રાંધીને ખાય છે, તે મનુષ્ય આનંદ કરે છે. આ સંસારમાં રોજરોજ પ્રાણીઓ યમલોકમાં જાય છે. છતાં બાકીના મનુષ્યો પોતાને અવિનાશી માને છે એથી બીજું આશ્ચર્ય શું હોઇ શકે ? તર્કથી નિર્ણય થતો નથી. શ્રુતિઓ ભિન્ન અર્થવાળી છે. તેના વ્યાખ્યાતા ઋષિ એક નથી કે જેના મતને પ્રમાણ મનાય અને ધર્મનું તત્વ ગુહામાં રાખેલું છે. અર્થાત્ ગૂઢ છે. આથી જે માર્ગે મહાજન જાય તે જ સામાન્ય જનોનો માર્ગ છે. આ મહાન મોહભરી કઢાઇમાં કાળ પોતે સૂર્યરૂપી અગ્નિથી ચેતાવેલાં રાત્રિ અને દિવસરૂપી ઇંધન વડે માંસ અને ઋતુરૂપી કડછીથી પ્રાણીઓને ઉપર નીચે કરીને જે રાંધે છે એને જ વાર્તા કહેવામાં આવે છે.
યક્ષ : તેં મારા પૂછેલા પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો આપ્યા છે. હવે તું પુરુષની વ્યાખ્યા કર અને કહે કે કયો પુરુષ સર્વ સંપત્તિમાન છે ?
યુધિષ્ઠિર : પુણ્યકર્મ વડે મનુષ્યનો કીર્તિઘોષ સ્વર્ગ અને પૃથ્વીને સ્પર્શે છે. જ્યાં સુધી તેનો કીર્તિઘોષ રહે છે ત્યાં સુધી તે પુરુષ કહેવાય છે. જે નર પ્રિય અને અપ્રિય વિશે, સુખ અને દુઃખ વિશે, તેમજ ભૂત અને ભાવિને વિશે એક સમાન છે, તે પુરુષ સર્વસંપત્તિવાન કહેવાય છે.
યુધિષ્ઠિરને પૂછવાના યક્ષના પ્રશ્નો એવી રીતે પૂરા થયા.

No comments:

Post a Comment