અરઠીલાના ભીમજી ગોહિલને ત્રણ કુંવર થયા : દુદાજી, અરજણજી અને હમીરજી, અરઠીલા લાઠીની ગાદી દુદાજી સંભાળતા, ગઢાળીનાં 11 ગામ અરજણજી સંભાળતા અને સૌથી નાના પુત્ર હમીરજી સમઢિયાળા ગામની ગાદી સંભાળતા હતા.
એક દિવસ બે કૂકડાઓ વચ્ચેની લડાઈમાં અરજણજી અને હમીરજી વચ્ચે અંટસ પડી. હમીરજી તેમના 200 રાજપૂત સાથે મારવાડ ચાલ્યા ગયા.
દિલ્હીની ગાદી ઉપર તે વખતે મહમદ તઘલખ બીજાનું શાસન હતું. એણે ઝફરખાનને ગુજરાતનો સૂબો નિયુક્ત કર્યો. ઝફરખાન મૂર્તિપૂજાનો કટ્ટર વિરોધી હતો. તેની નજર સોમનાથ મંદિર ઉપર હતી, કારણ કે હિંદુ લોકોની ખૂબ જ આસ્થા તેના ઉપર હતી.
એક તોફાનમાં ઝફરખાનનો ખાસ સાથી રસૂલખાન હિન્દુઓના હાથે હણાયો. આ ખબર ઝફરખાનને મળતાં તે કાળઝાળ થઈ ઊઠ્યો અને સોરઠને દળી નાખવા તેના હાથ સળવળી ઊઠ્યા. આમ ઝફરખાન સોરઠ પર ચડ્યો છે. ગઢના કિલ્લાના દરવાજા ભાંગી નાખે તેવા હાથી સાથે લીધા છે. ભેંકાર તોપું ઢસડાતી આવે છે અને કાબુલી, મકરાણી, અફઘાની અને પઠાણી સૈનિકોની ફોજ લઈને ઝફરખાન સોમનાથ મંદિર ઉપર આક્રમણ કરવા ચાલ્યો આવે છે.
સોમનાથ ઉપર આક્રમણ થાય તે પહેલાં સૌરાષ્ટ્રના ગઢાળીથી અરજણજીએ માણસુર નામના ગઢવીને હમીરજીને ગોતીને પરત અરઠીલા લાવવા મોકલ્યો હતો. અરજણજી વિરહમાં ખૂબ જ દુ:ખી છે તે વાત સાંભળીને હમીરજી હલી ગયા. તેમણે પોતાની સાથે રહેલ 200 જેટલા રાજપૂત ઘોડેસવારો સાથે ગઢાળીનો મારગ પકડ્યો.
હમીરજી પોતાના મિત્રો સાથે તેમના મોટાભાઈને ત્યાં અરઠીલામાં દિવસો પસાર કરતા હતા. ઝફરખાન સોમનાથ ઉપર ચડી આવે છે તે વાતની હમીરજીને ખબર પણ નહોતી. એક દિવસ જમવાની ઉતાવળ કરતાં હમીરજીને એમની ભાભીએ કહ્યું, ‘દિયરજી, આટલી બધી ઉતાવળ કાં કરો? ઝટ ખાઈને સોમૈયાની સખાતે ચડવું છે?’
આ સાંભળીને હમીરજીએ પૂછ્યું કે, ‘કેમ ભાભી, સોમૈયા પર સંકટ છે?’
ભાભીએ જવાબ આપ્યો, ‘પાદશાહી દળકટક સોમનાથ મંદિરને તોડવા ચાલ્યું આવે છે અને ગુજરાતના સૂબાની ફોજ સોમનાથના માર્ગે છે.’
ભાભીની વાત સાંભળીને હમીરજી સફાળા બેઠા થઈ ગયા અને કહ્યું, ‘ભાભી, શું વાત કરો છો? કોઈ રાજપૂતજાયો સોમનાથ માટે મરવા નીકળે તેવો નથી? મહાદેવ પર રાજપૂતોના દેખતાં વિધર્મીઓની ફોજ ચડશે? રાજપૂતી મરી પરવારી છે?’
તેમનાં ભાભીએ નિરાશ થઈને કહ્યું કે, ‘રાજપૂતો તો પાર વિનાના છે પણ સોમૈયાની સખાતે ચડે તેવો મરદ એકેય દેખાતો નથી. અને તમને બહુ લાગી આવતું હોય તો તમે હથિયાર બાંધો. દિયરજી, તમેય કયાં રાજપૂત નથી?’
ભાભી સ્ત્રીસહજ બોલી ગયાં પણ હમીરજીને ઝાળ લાગી ગઈ, મેણું હાડોહાડ વ્યાપી ગયું. હમીરજીએ ભાભીને કહ્યું કે, ‘મારા બેય ભાયુંને ઝાઝેરા જુહાર કહેજો. હું તો સોમનાથ મંદિરની સખાતે જાઉં છું’. અને બસ્સો જેટલા મરજીવા સાગરીતો સાથે હમીરજીએ સોમનાથનો મારગ લીધો.
કલૈયા કુંવર જેવા બસ્સો ભાઈબંધ સાથે સોમનાથને રસ્તે ચાલ્યા જાય છે. રસ્તામાં એક નેસડું આવ્યું. અરધી રાતનો સમય થયો હશે. ચારે બાજુ સૂનકાર વ્યાપેલો હતો, ત્યાં રાતના સૂનકારને ચીરતો મરશિયાનો અવાજ સંભળાયો. નેસના ઝૂંપડામાં એક વૃદ્ધા ચારણ મરશિયા ગાય છે. આઈનું રોણું સાંભળીને પવન પણ થંભી ગયો છે. હમીરજી પણ ઊભા રહી ગયા અને નેસમાં જઈને પૂછે છે કે, ‘મા, તમે કોના મરશિયા ગાતાં હતાં?’
આઈએ જવાબ આપ્યો કે, ‘હું રંડવાળ છું બાપ. મારા દીકરાના મરશિયા ગાતી’તી. જુવાનજોધ પુત્ર હમણાં પંદરેક દિવસ પહેલાં મરણ પામેલ છે.’
આ સાંભળીને હમીરજીએ આઈને કહ્યું કે, ‘મા, પુત્રને મર્યા પછી પણ લાડ લડાવો છો તો મારા મરશિયા ગાશો? મારે સાંભળવા છે.’
તે વૃદ્ધાનું નામ લાખબાઈ હતું તેણે કહ્યું, ‘મોળા બાપ, ઈ શું બોલ્યો? તારા મરશિયા ગાઈને ઈ પાપમાંથી ક્યારે છૂટવું?’
હમીરજીએ કહ્યું, ‘આઈ અમે મરણને મારગે છીએ. સોમૈયાની સખાતે જવા નીકળ્યા છીએ. ઈ મારગેથી પાછા અવાય એવું નથી’. ત્યારબાદ હમીરજીએ આઈને માંડીને બધી વાત કરી.
આઈ લાખબાઈ પોરસીલા રાજપૂતની જવામર્ંદી ઉપર ઓળઘોળ થઈ ગયાં. અંતરથી આશિષ આપ્યા પછી કહ્યું કે ‘બેટા હમીરજી, તું પરણ્યો છે?’
હમીરજીએ જવાબ આપ્યો કે ‘ના, આઈ’
વૃદ્ધાએ કહ્યું, ‘તો રસ્તામાં જે મળે તેની સાથે લગ્ન કરી લેજે. કુંવારાને રણમાં અપસરા વરે નહીં’.
‘પણ આઈ, અમને મરવા જનારાને કોણ દીકરી આપે?’ હમીરજીએ શંકા વ્યક્ત કરી.
આઈએ કહ્યું, ‘બાપ, આ રસ્તે તારી શૂરવીરતા પર રાજી થઈને કોઈ પોતાની દીકરી તને પરણાવે તો ના ન પાડતો. મારું વેણ પાળજે દીકરા.’ આટલું બોલીને આઈ લાખબાઈ ડમણીમાં બેસી સોમનાથને મારગે ચાલ્યાં.
હમીરજીને કહે, ‘હું તારી પહેલાં સોમનાથ જઈને વાટ જોઈશ.’
લાખબાઈ આગળ ચાલતાં રસ્તામાં દ્રોણ ગઢડા આવ્યું. વેગડાજી કરીને ભીલ સરદારની ગિરમાં આણ ફરે. ત્રણસો ભીલ તેની પાસે તૈયાર રહેતા અને દોઢ હજાર ભીલયોદ્ધા ભેગા કરી શકતો. વેગડાજીને એક જુવાન દીકરી હતી. તેનું નામ રાજબાઈ. આમ તો રાજબાઈ એક રાજપૂતની દીકરી હતી. એક ધિંગાણામાં વેગડા ભીલે જેઠવા રાજપૂતને ઠાર મારેલો ત્યારે રાજપૂતે વેગડાને એ દીકરી સોંપેલી. વેગડાએ પોતાની દીકરી હોય તેમ તેને ઉછેરી હતી. લાખબાઈ દ્રોણ ગઢડા પહોંચતા વેગડા ભીલે તેમની ડમણી અટકાવી. બે ટંક રોક્યાં. દીકરી માટે કોઈ સારા રાજપૂતનું ઠેકાણું પૂછ્યું. તેથી લાખબાઈએ કહ્યું કે, ‘બાપ વેગડા, હમીરજી લાઠિયો સોમૈયાની સખાતે નીકળ્યો છે. તને ના નહીં પાડે. એની સાથે રાજબાઈને વરાવ. મર્દ રાજપૂત છે.’
બે દી પછી હમીરજી દ્રોણ ગઢડા પહોંચ્યા. વેગડા ભીલે હમીરજી સમક્ષ પોતાની દીકરી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો.
હમીરજીની સંમતિ મળી ગઈ પણ વાત એમ હતી કે તેમની સાથેના બસ્સો જેટલા સાથીઓએ પણ હમીરજી પરણે ત્યારે જ પરણવાનાં નીમ લીધાં હતાં. તેથી ભીલોની કન્યા સાથે તેમનાં પણ લગ્ન ગોઠવવામાં આવ્યાં. આમ ગિરની ભીલપુત્રીઓ સાથે બસ્સો રાજપૂત અને રાજબાઈ સાથે હમીરજીનાં સમૂહલગ્ન ઉજવાણાં. ઢોલ અને શરણાઈ ગહેકી ઊઠ્યાં, મોતને માંડવે પોંખવા જતા યુવકોએ હર્ષોલ્લાથી ગિરને ગાંડી કરી મૂકી.
ગિરના જંગલમાં લગ્ન થયાં ને બીજે જ દિવસે હમીરજીએ સોમનાથનો મારગ પકડ્યો. તેમની સાથે વેગડાજી અને તેમના સાથી ભીલોએ પણ પ્રયાણ કર્યું. રસ્તામાં રાજપૂત કાઠી આહીર, મેર, ભરવાડ અને રબારી જેવી જ્ઞાતિઓના જુવાનોને સોમનાથની સખાતે સાથે આવવા તૈયાર કરી સોમનાથ પહોંચી ગયા.
ઝફરખાનની ફોજ સોરઠના સીમાડા દબાવતી ચાલી આવે છે. રાજાઓ અને ઠાકોરોને દંડતો આવે છે. જ્યારે આ બાજુ હમીરજી, વેગડાજી અને બીજા શૂરવીરો સોમનાથના પ્રાંગણમાં વાટ જોઈ રહ્યા છે. પૂજારીઓ અને પ્રભાસના નગરજનો સાબદા બની ઊભા છે. વિજયના કેફમાં મદમસ્ત બનેલો ઝફરખાન બરાબર પ્રભાસના પાદરમાં આવી પહોંચ્યો. વેગડાજીના ભીલોનાં તાતાં તીરોએ બાદશાહી ફોજનાં સામૈયાં કર્યાં. બળુકા હાથમાંથી છૂટતાં બાણ મુસ્લિમ સેનાને ત્રાહિમામ્ પોકરાવી રહ્યાં છે. એક બાજુ દેવાલયને તોડવાનું પ્રબળ ઝનૂન છે તો બીજી તરફ મંદિરને બચાવવાની અજબ ટેક છે. હાથી પર બેઠેલા ઝફરખાને સૈન્યનો સંહાર થતો નિહાળી તોપો આગળ કરવાનો હુકમ છોડ્યો.
તે સમયે ભીલ બાણાવળીઓ ઝફરખાનનો ઇરાદો પામી ગયા. સોમનાથને ફરતી ગીચ ઝાડીમાં વૃક્ષોમાં સંતાઈને બાણવર્ષા તેમણે શરૂ કરી. સૂબાના તોપચીઓ તોપ માથે ચિત્કાર કરીને ઢળવા માંડ્યા. ઝફર વધારે રોષે ભરાયો હતો. તોપચીઓ મરતાં બીજી હરોળ આગળ કરી. ભીલ સૈનિકોની સંખ્યા ઓછી થવા લાગી. વેગડા ભીલ પણ શહીદ થયા. ઝફરખાનના સૈન્યએ સોમનાથના ગઢ માથે હલ્લો કર્યો. સામે હમીરજી પણ સાવધ હતા. સળગતા તીરના મારા સાથે પથ્થરના ગોળા ગબડતા મૂક્યા. ગઢ પાસે આવી ગયેલા સૈનિકો માથે ઊકળતાં તેલ રેડ્યાં. આમ પ્રથમ હલ્લો પાછો પડ્યો. ઝફરખાને સોમનાથને ત્રણેય બાજુથી ઘેરી લીધું હતું અને એક બાજુ તો સમુદ્ર હતો. બીજા દિવસે સવારથી જ હમીરજી અને સૈનિકોએ ઘોડાઓ ઉપર સવાર થઈને દુશ્મનોના હાથીને ભાલા ભોંકીને ત્રાહિમામ્ પોકરાવી દીધા. ઝફરખાનનું સૈન્ય હચમચી ગયું. ઝફરખાને અંદર પ્રવેશવા માટે ગઢના પાયામાં સુરંગ ખોદાવી હતી, તેમાં હમીરજીએ પાણી રેડાવીને નકામી બનાવી દીધી હતી. આમ યુદ્ધને લગાતાર નવ દિવસ પૂરા થઈ ગયા હતા.
સોમનાથના ગઢની સામે જ નવ-નવ દિવસથી ઝફરખાનના સૈન્યનો સામનો કરતાં કરતાં હમીરજી પાસે હવે તો અમુક ચુનંદા શૂરવીરો જ બચ્યા હતા. સોમનાથને તૂટતું બચાવવા હમીરજીની આગેવાનીમાં આવેલા તમામ શૂરવીરો એકઠા થયા હતા. નવમા દિવસની રાત્રે હમીરજીએ યુદ્ધનો વ્યૂહ સમજાવ્યો. આખી રાત કોઈ સૂતું નથી, સોમનાથના મંદિરમાં મોતને મીઠું કરવા માટે અબીલ ગુલાલ ઊડી રહ્યો છે. મરણિયા વીરોએ શંકરદાદાને પણ તે રાતે સૂવા ન દીધા. પરોઢીએ નહાઈ ધોઈને હમીરજીએ શંકરની પૂજા કરી. હથિયાર સજી આઈ લાખબાઈને પગે લાગ્યા અને કહ્યું કે આઈ, આશિષ આપો. કાનોકાન મોતનાં મીઠાં ગીતો સાંભળવાની વેળા આવી પહોંચી છે. પટાંગણમાં ઘડીક સૂનકાર ફેલાઈ ગયો. પડથારે બેસીને માળા ફેરવતાં આઈ બોલ્યાં, ‘ધન્ય છે વીરા તને. સોરઠની મરવા પડેલી મર્દાનગીનું તેં પાણી રાખ્યું’.
દશમા દિવસની સવારમાં સૂરજનારાયણનું આગમન થયું કે ગઢના દરવાજા ખૂલ્યા ને હમીરજી અને સાથી યોદ્ધાઓ ઝફરખાનની ફોજ માથે ત્રાટક્યા. અચાનક આક્રમણથી ઝફરખાન હેબતાઈ ગયો. એણે સૈન્યને સાબદું કરીને યુદ્ધ શરૂ કર્યું. બીજી બાજુ મોતને ભેટવા નીકળેલા હમીરજી અને સાથીઓએ કાળોકેર વર્તાવી દીધો. સાંજ પડતાં જ દુશ્મન સૈન્યને અડધા ગાઉ જેટલું પાછું દીધું અને તે દિવસનું યુદ્ધ બંધ થયું. સોમનાથના ગઢમાં પરત ફરતાં જ હમીરજી જુવે છે કે સાથીઓમાં અમુકના હાથ કપાયા છે તો અમુકના પગ, અમુકનાં આંતરડા બહાર નીકળી ગયાં છે. અને હવે લગભગ દોઢસોથી બસ્સો જ સાથી બચ્યા છે. હમીરજીએ સાથીઓ સાથે નિર્ણય કર્યો કે સવારનું યુદ્ધ સોમનાથના સાંનિધ્યમાં લડવું. સવાર પડતાં જ ઝફરખાને સામેથી હુમલો કર્યો. હમીરજી અને સાથીઓ શિવલીંગને જળથી સ્નાન કરાવીને એકબીજાને છેલ્લા જુહાર કરી રણમેદાનમાં ઊતર્યા.
સાંજ પડતાં યુદ્ધમાં હમીરજી અને એક-બે યોદ્ધા જ બચ્યા હતા અને લડી રહ્યા હતા. હમીરજીનું આખું શરીર વેતરાઈને લીરા જેવું થઈ ગયું છે છતાં દુશ્મનોને મચક આપતા નથી. ઝફરખાને સૈનિકોને ઇશારો કર્યો અને હમીરજીને કુંડાળામાં ઘેરી લેવામાં આવ્યા. તેમની સામે એકસામટી દશ તલવાર પડી. શિવલીંગનું રક્ષણ કરતો એ અંતિમ યોદ્ધો પણ ઢળી પડ્યો સોમનાથના મંદિર કાજે હમીરજી પડ્યા અને સોમનાથ પણ પડ્યું. ત્યારે આઈ લાખબાઈ ગઢની દેવડીએ ચડીને નીરખી રહ્યાં હતાં અને આ શૂરવીર યોદ્ધાને બિરદાવતાં મરશિયો ગાયો કે,
રડવડિયે રડિયા, પાટણ પારવતી તણા,
કાંકણ કમળ પછે, ભોંય તાહળા ભીમાઉત.
વેળ તુંહારી વીર, આવીને ઉં વાટી નહીં,
હાકમ તણી હમીર, ભેખડ હુતી ભીમાઉત.
કાંકણ કમળ પછે, ભોંય તાહળા ભીમાઉત.
વેળ તુંહારી વીર, આવીને ઉં વાટી નહીં,
હાકમ તણી હમીર, ભેખડ હુતી ભીમાઉત.
***
હમીરજી ગોહિલ ઇતિહાસનું અદ્ભુત પાત્ર છે. ઇતિહાસે હમીરજી ગોહિલની નોંધ એટલા માટે લેવી પડે છે કે જ્યારે સૌરાષ્ટ્રની રાજપૂતી રોળાઈ રહી હતી ત્યારે પોતાના મુઠ્ઠીભર ભેરુબંધો સાથે સૂબા ઝફરખાનની જંગી ફોજ સામે સોમનાથનું રક્ષણ કરવા ચડ્યા હતા. આમ હમીરજીને તેમના વંશજો સુરાપુરા તરીકે આજે પણ પૂજે છે ! ગુજરાતની બહાદુર દીકરીઓ - એક રજપૂતાણી અને બસો ભીલ કન્યાઓએ સુહાગના સિંદૂર સાથે જ દાયજામાં વૈધવ્યનો કાળો સાડલો સ્વીકારીને બતાવેલી વીરતા પણ દાદ માંગે છે.
સોમનાથ મંદિરની બહાર વેગડાજીની અને મંદિરના મેદાનમાં બરોબર શિવલીંગની સામે જ હમીરજી ગોહિલની દેરીઓ આવેલી છે. આવા પ્રતાપી વ્યક્તિત્વની યાદ અને શૌર્યનો ઊજળો ઇતિહાસ આલેખતો તેમનો પાળિયો સોમનાથમાં આજેય પૂજાય છે. આજે જ્યારે આ શૂરવીરતાને પોંખતી ઐતિહાસિક ફિલ્મ ‘વીર હમીરજી - સોમનાથની સખાતે’ હમીરજી અને એમનાં ભેરુબંધોની વીરતાને શ્રદ્ધાંજલિ છે.
No comments:
Post a Comment