Wednesday, May 23, 2012

યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ - 1


યક્ષ :  આદિત્યને કોણ ઉદિત કરે છે ? એના આસપાસ કોણ છે ? એને કોણ અસ્ત પમાડે છે ? એ શામાં પ્રતિષ્ઠિત રહે છે ?
યુધિષ્ઠિર : આદિત્યને બ્રહ્મ ઊંચે ઉદિત કરે છે. દેવો તેના સહાયકર્તા સાથીઓ છે. ધર્મ તેને અસ્ત પમાડે છે. અને સત્યના આધારે તે પ્રતિષ્ઠિત રહે છે.
યક્ષ : શાનાથી મનુષ્ય શ્રોત્રિય થાય છે ? શાનાથી તેને મહત્પ્રાપ્તિ થાય છે ? શાથી તે સહાયવાન થાય છે ? અને શાથી તે બુદ્ધિમાન બને છે ?
યુધિષ્ઠિર : વેદાધ્યાનથી મનુષ્ય શ્રોત્રિય થાય છે; તપથી તેને મહત્પ્રાપ્તિ થાય છે; ધૃતિથી તે સહાયવાન થાય છે અને વૃદ્ધોની સેવાથી બુદ્ધિમાન બને છે.
યક્ષ : બ્રાહ્મણોનું દેવત્વ શું છે ? તેમનામાં સત્પુરુષોના જેવો ધર્મ શો છે ? તેમનામાં મનુષ્યભાવ શો છે ? અને તેમનામાં દુર્જનોના જેવું આચરણ શું છે ?
યુધિષ્ઠિર : વેદોનો સ્વાધ્યાય એ બ્રહ્મણોનું દેવત્વ છે. તપસ્યા તેમનામાં સત્પુરુષોના જેવો ધર્મ છે. મરણ તેમનામાં મનુષ્યભાવ છે, અને નિંદા તેમનામાં દુર્જનોના જેવું આચરણ છે.
યક્ષ : ક્ષત્રિયોમાં દેવત્વ શું છે ? તેમનામાં સત્પુરુષોના જેવો ધર્મ કયો છે ? તેમનામાં મનુષ્યભાવ શો છે ? અને તેમનામાં દુર્જનોના જેવું આચરણ શું છે ?
યુધિષ્ઠિર : બાણ અને અસ્ત્રોનું ધારણ એ ક્ષત્રિયોમાં દેવત્વ છે. યજ્ઞ એ તેમનામાં સત્પુરુષોના જેવો ધર્મ છે. ભય તેમનામાં મનુષ્યભાવ છે અને શરણાગતનો ત્યાગ કરવો એ તેમનામાં દુર્જનોના જેવું આચરણ છે.
યક્ષ : આવપન (વાવણી) કરનારાઓને શી વસ્તુ શ્રેષ્ઠ છે ? નિવાપન (રોપણી) કરનારાઓને શી વસ્તુ ઉત્તમ છે ? પ્રતચિષ્ઠા ઇચ્છનારાઓને કઇ વસ્તુ શ્રેષ્ઠ છે ? અને પ્રજોત્પાદન કરનારાઓને કંઇ વસ્તુ ઉત્તમ છે ?
યુધિષ્ઠિર : આવપન કરનારાઓને વૃષ્ટિ શ્રેષ્ઠ છે; નિવાપન કરનારાઓને પુત્ર ઉત્તમ છે; પ્રતિષ્ઠા ઇચ્છનારાઓને ગાયો શ્રેષ્ઠ છે; અને પ્રજોત્પાદન કરનારાઓને પુત્ર ઉત્તમ છે.
યક્ષ : ઇન્દ્રિયોના વિષયોને અનુભવતો, બુદ્ધિમાન લોકથી પૂજાયેલો અને સર્વ પ્રાણીઓમાં માન પામેલો એવો કયો મનુષ્ય જીવતો છતાં મરેલો છે ?
યુધિષ્ઠિર : જે મનુષ્ય દેવ, અતિથિ, પોષ્યવર્ગ, પિતૃઓ અને પોતાનો પંડ એ પાંચને કાંઇ જ આપતો નથી તે જીવતો છતાં મરેલો છે.
યક્ષ : કોણ પૃથ્વી કરતાં પણ વિશેષ ભારે છે ? કોણ આકાશ કરતાં પણ વધારે ઉચ્ચ છે ? કોણ વાયુ કરતાં પણ વિશેષ શીઘ્ર છે ? કોણ તરણા કરતાં પણ વધારે તુચ્છ છે ?
યુધિષ્ઠિર : માતા પૃથ્વી કરતાં પણ વિશેષ ભારે છે. પિતા આકાશ કરતાં પણ વધારે ઉચ્ચ છે મન વાયુ કરતાં પણ વિશેષ શીઘ્ર છે. ચિંતા તરણા કરતાં પણ વધારે તુચ્છ છે.
યક્ષ : સૂતા છતાં પણ કોણ આંખ મીંચતું નથી ? જન્મ્યા પછી કોણ હલનચલન કરતું નથી ? કોને હૃદય હોતું નથી ? અને કોણ વેગથી વૃદ્ધિ પામે છે ?
યુધિષ્ઠિર : માછલા સૂતા છતાં પણ આંખ મીંચતાં નથી. ઇંડુ જન્મ્યા છતાં પણ ચાલતું નથી. પથ્થરને હૃદય હોતું નથી. નદી વેગથી વૃદ્ધિ પામે છે.
યક્ષઃ પ્રવાસે નીકળેલાનો મિત્ર કોણ ? ઘરમાં વસેલાનો મિત્ર કોણ ? રોગીનો મિત્ર કોણ ? અને મરણની તૈયારીવાળાનો મિત્ર કોણ ?
યુધિષ્ઠિર : વેપારીઓનો સાથ એ પ્રવાસે નીકળેલાનો મિત્ર છે. ભાર્યા ઘરમાં વસેલાનો મિત્ર છે. વૈદ્ય રોગીનો મિત્ર છે અને દાન મરણની તૈયારીવાળાનો મિત્ર છે.
યક્ષ : ભૂતમાત્રનો અતિથિ કોણ છે ? સનાતન ધર્મ કયો છે ? અમૃત શું છે ? અને આ સર્વ જગત શું છે ?
યુધિષ્ઠિર : અગ્નિ ભૂતમાત્રનો અતિથિ છે. મોક્ષધર્મ સનાતન ધર્મ છે. ગાયનું દૂધ અમૃત છે. વાયુ સર્વ જગત છે.
યક્ષ : કોણ એકલો વિચરે છે ? કોણ જન્મીને પાછો જન્મે છે ? ટાઢનું ઓસડ શું છે ? અને મહાન ભંડાર કયો છે ?
યુધિષ્ઠિર : સૂર્ય એકલો વિચરે છે. ચંદ્રમા જન્મીને પાછો જન્મે છે, અગ્નિ ટાઢનું ઓસડ છે અને ભૂમિ મહાન ભંડાર છે.
યક્ષ : ધર્મનું સ્થાન કયું છે ? યશનું મુખ્ય સ્થાન શું છે ? સ્વર્ગનું મુખ્ય સ્થાન શું છે ? અને સુખનું મુખ્ય સ્થાન શું છે ?
યુધિષ્ઠિર : દક્ષતા ધર્મનું મુખ્ય સ્થાન છે. દાન યશનું મુખ્ય સ્થાન છે. સત્ય સ્વર્ગનું મુખ્ય સ્થાન છે. અને શીલ સુખનું મુખ્ય સ્થાન છે.
યક્ષ : મનુષ્યનો આત્મા કોણ છે ? તેનો દેવથી પ્રાપ્ત થયેલો મિત્ર કોણ છે ? તેનું જીવનસાધન શું છે ? તેનો પરમ આશ્રય શો છે ?
યુધિષ્ઠિર : પુત્ર મનુષ્યનો આત્મા છે. ભાર્યા તેનો દૈવકૃત મિત્ર છે. મેઘ તેનું જીવનસાધન છે. દાન તેનો પરમ આશ્રય છે.
યક્ષ : ધનપ્રાપ્તિમાં ઉત્તમ સાધન કયું છે ? ધનોમાં ઉત્તમ ધન કયું છે ? લાભોમાં ઉત્તમ લાભ કયો છે ? અને સુખોમાં ઉત્તમ સુખ શું છે ?
યુધિષ્ઠિર : દક્ષતા ધનપ્રાપ્તિમાં ઉત્તમ સાધન છે. વિદ્યા ધનોમાં ઉત્તમ ધન છે. આરોગ્ય લાભોમાં ઉત્તમ લાભ છે. સંતોષ સુખોમાં ઉત્તમ સુખ છે.
યક્ષ : આ લોકમાં પરમ ધર્મ કયો છે ? સદા ફલદાયી ધર્મ કયો છે ? શો નિયમ રાખવાથી મનુષ્યને શોક કરવો પડતો નથી ? અને કોની સાથેની સંગતિ નિષ્ફળ જતી નથી ?
યુધિષ્ઠિર : પ્રાણી માત્રને અભયદાન એ લોકમાં પરમધર્મ છે. ત્રયીધર્મી (વેદોક્તધર્મ) સદા ફલદાયી ધર્મ છે. મનોનિગ્રહ રાખવાથી મનુષ્યને શોક કરવો પડતો નથી અને સત્પુરુષો સાથેની સંગતિ નિષ્ફળ જતી નથી.
યક્ષ : શું ત્યાગવાથી મનુષ્ય પ્રિય થાય છે ? શું ત્યાગવાથી તેને શોક કરવો રહેતો નથી ? શું ત્યાગવાથી તે ધનવાન થાય છે ? અને શું ત્યાગવાથી સુખી બને છે ?
યુધિષ્ઠિર : માનને તજવાથી મનુષ્ય પ્રિય થાય છે. ક્રોધને તજવાથી તેને શોક કરવો રહેતો નથી. કામને તજવાથી તે ધનવાન થાય છે. લોભને તજવાથી સુખી બને છે.
યક્ષ : શા માટે બ્રાહ્મણને દાન આપવું ? શા કાજે નટ-નર્તકોને ધન આપવું ? શા માટે સેવકાદિને દ્રવ્ય આપવું ? શા કાજે રાજાઓને કર આપવા ?
યુધિષ્ઠિર : ધર્મને કાજે બ્રાહ્મણને દાન આપવું. યશને કાજે નટ-નર્તકોને ધન આપવું. ભરણપોષણને માટે સેવકાદિને દ્રવ્ય આપવું. ભયને માટે રાજાઓને કર આપવા.
યક્ષ : આ લોક શાથી ઢંકાયેલો છે, શાથી તે પ્રકાશતો નથી ? શા કારણે તે મિત્રોનો ત્યાગ કરે છે ? અને શા કારણે તે સ્વર્ગે જતો નથી ?
યુધિષ્ઠિર : અજ્ઞાનથી આ લોક ઢંકાયેલો છે. તમોગુણથી તે પ્રકાશતો નથી. લોભના કારણથી તે મિત્રોને ત્યજે છે. સંગને કારણે તે સ્વર્ગે જતો નથી.
યક્ષ : કયો પુરુષ મરેલો ગણાય ? કયું રાષ્ટ્ર મરેલું ગણાય ? કયું શ્રાદ્ધ મરેલું ગણાય ? અને કયો યજ્ઞ મરેલો કહેવાય ?
યુધિષ્ઠિર : દરિદ્ર પુરુષ મરેલો ગણાય. અરાજક રાષ્ટ્ર મરેલું ગણાય. વેદવેત્તા બ્રાહ્મણ વિનાનું શ્રાદ્ધ મરેલું ગણાય. દક્ષિણા વિનાનો યજ્ઞ મરેલો મનાય.
યક્ષ : દિશા કઇ છે ? જળ શાને કહ્યું છે ? અન્ન શું છે ? શ્રાદ્ધનો કાળ કયો ? આ પ્રશ્નોના ઉત્તર આપ અને પછી પાણી પી તથા લઇ જા.

No comments:

Post a Comment